સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના ૧૬ ફેબ્રુઆરી ૧૯૭૪ ના રોજ ૧૪ સ્થાપક સભ્યો દ્વારા વડોદરામાં કરવામાં આવી. મંડળીનો નોંધણી ક્રમાંક સે.-૨૭૮૮ છે.
દેશના ભાગલા અને ત્યાર પછીનાં રમખાણોમાં આર્થિક રીતે ભાંગી પડેલા સિંધી વેપારીઓ અને સમાજના નબળા વર્ગને પરસ્પરના સહકારથી આર્થિક રીતે પગભર કરવાના હેતુથી મંડળીનો જન્મ થયો. એક ભાડાની નાની ઓરડીમાંથી શરૂ થયેલી આ યાત્રા આજે સંત કંવર નગર, વારસિયા ખાતે મંડળીના પોતાના ભવન — સિંધ સમ્રાટ રાજા દાહરસેન ભવન — સુધી પહોંચી છે.
આજે મંડળી બચત, ફરજિયાત બચત, ફિક્સ અને રિકરિંગ ડિપોઝિટ, દૈનિક બચત, લોકર અને વિવિધ ધિરાણ યોજનાઓ દ્વારા હજારો સભાસદોની સેવા કરે છે. સાથે સાથે સભાસદોના બાળકોને શૈક્ષણિક ઇનામ, મરણોત્તર સહાય અને પુત્રી જન્મ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે.
અમારી સફર
સિંધ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, વારસિયા, વડોદરાના વ્હાલા સભાસદો, સહકારી સભ્યો તથા વડોદરાવાસીઓને મંડળીના પ્રમુખશ્રી તરીકે હું નતમસ્તક થઈ આપ સૌનું સ્વાગત કરી આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મને પાછલા ત્રીસ વર્ષથી મંડળીમાં સેવા કરવાનો અવસર આપ્યો છે.
આપ સૌને પ્રમુખ તરીકે સંબોધિત કરતાં આનંદ થાય છે કે આપણી મંડળીની સ્થાપના તારીખ ૧૬/૦૨/૧૯૭૪ ના રોજ ૧૪ સ્થાપક સભ્યો દ્વારા કરવામાં આવી હતી. મંડળીનો નોંધણી ક્રમાંક સે.-૨૭૮૮ છે. નોંધણી સમયનું સરનામું ટી-૬૬, કેન્ટીન બંગલાની બાજુમાં, સંત કંવર કોલોની, વડોદરા હતું.
મંડળીની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સિંધી સમાજના આર્થિક રીતે નબળા વર્ગને આર્થિક સહાય કરીને સધ્ધરતામાં પરિવર્તિત કરવાનો હતો. આઝાદી બાદ દેશના ભાગલા પડ્યા, તેનો મુખ્યત્વે સિંધી સમાજ ભોગ બન્યો. ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી થયેલાં કોમી રમખાણોને કારણે સિંધી વેપારીઓની કેબિનો અને દુકાનોને મોટા પાયે આર્થિક નુકસાન થયું અને ધંધા-રોજગાર પડી ભાંગ્યા.
તે સમયે સિંધી સમાજના વેપારી ભાઈઓને આર્થિક મદદ કરનાર કોઈ ન હતું અને સમાજ સંગઠિત પણ ન હતો. તેવા સમયે સિંધી સમાજને એકત્રિત અને સંગઠિત કરી, પરસ્પરના સહકારથી મૂડી ઊભી કરી, જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ કરવાના હેતુથી મંડળીની સ્થાપના કરવામાં આવી.
શરૂઆતમાં મંડળીએ પોતાનું કામકાજ એક ભાડાની નાની ઓરડીમાંથી શરૂ કર્યું. સમય જતાં સ્થાપક સભ્યો તથા કર્મનિષ્ઠ કર્મચારીગણની મહેનત, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા તથા સભાસદોના અપરંપાર વિશ્વાસ, એકતા અને સહકારથી મંડળી સતત મજબૂત બની અને તેની સેવા ક્ષમતા વિસ્તરતી ગઈ.
કારોબારી સભ્યોની પારદર્શિતા, શિસ્ત અને સભ્યકેન્દ્રિત નીતિઓને કારણે મંડળીની સ્થિતિ મજબૂત બની. લાંબા સમયના સતત વિકાસ બાદ મંડળીનું પોતાના મકાનમાં કાર્ય કરવાનું સપનું સાકાર થયું. આજે સોસાયટી ગૌરવપૂર્વક પોતાની ઇમારતમાંથી કાર્ય કરી રહી છે, જે સભ્યોની મહેનત, વિશ્વાસ અને વૃદ્ધિનું પ્રતીક છે.
આ સિદ્ધિ માત્ર નાણાકીય સફળતા જ નહીં, પરંતુ સભ્યોના પરસ્પર વિશ્વાસ અને સહકારનું જીવંત ઉદાહરણ છે. ભાડાની નાની રૂમથી લઈને આજે મજબૂત અને સ્વતંત્ર સંસ્થા તરીકે વિકસિત થવાની આ યાત્રા સાચા અર્થમાં સહકાર અને સમૂહભાવનાની સાક્ષી છે.
આપણી સોસાયટી આગળ વધી રહી છે; ભવિષ્ય વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બને તેવી પ્રભુને પ્રાર્થના. મારા પર વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકેની ફરજ બજાવવામાં સાથ આપનાર સાથી હોદ્દેદારો તથા કારોબારી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મંડળીના કર્મચારીઓએ ખંત, ધગશ, નિષ્ઠા અને પ્રામાણિકતાપૂર્વક, સમયની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી છે, તે માટે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.